
અમદાવાદ ની ચોળાફળી સાથે ખવાતી તીખી ચટણી……..
અમદાવાદ : (વસંત મહેતા દ્વારા )કોઈને એવો વહેમ હોય કે પોતે બહુ તીખું ખાઈ શકે છે તો તેઓ અમદાવાદમાં ચોળાફળી સાથે આવતી ચટણી ચાખે અને પછી અહીં જે રીતે એને ખવાતી (અને પીવાતી) જુવે તો એનો વહેમ ડગમગી જાય ખરો…
અમદાવાદમાં બધા પ્રકારના ફૂડમાં ગળપણ ઓછા વત્તા અંશે બીજા પ્રદેશો કરતા વધુ જોવા મળે છે, પણ એ વચ્ચે અપવાદ રૂપ છે આ ચટણી…ચોળાફળી સાથે આવતી આ ચટણીની ખાસિયત જ એ છે કે તે અત્યંત તીખી હોય છે અને ઠંડી હોય છે. (ચટણીમાં તપેલા કે ટીપમાં બરફનો મોટો ગાંગડો નાખેલો જ હોય છે.) અહીં લોકો ચોળાફળી સાથે આ ચટણી પુષ્કળ માત્રામાં ખાતા હોય છે. આ ચટણી માટે કઢીની હોય એવી નાની ને છીછરી વાટકી નહીં પણ અલ્મોસ્ટ વાટકા જેવી વાટકી અપાતી હોય છે. પેપર પડિયો અપાય તો એ પણ મોટો પડિયો હોય છે. અમુક લોકો તો ખાતા ખાતા વચ્ચે પડિયો મોઢે માંડીને ચટણી પીતા પણ હોય છે. ખાવાની કોઈપણ આઇટમ હોય પણ એ ફૂડ સાથે ચટણી સંભારો, મરચા આપવા બાબતે અમદાવાદ જેટલું ઉદાર છે એટલી ઉદારતા મેં ક્યાંય નથી જોઈ. રાજકોટ કે સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ખાઈએ તો જે રીતે કરકસરથી ચટણી આપે કે અમદાવાદીને એમ થાય કે, “ક્યા રે ક્યા ચટની વાલા બનેગા તું આમ કાઠિયાવાડ ઉદાર પણ આખા સૌરાષ્ટ્રમાં ચટણીની કંજૂસાઈનાં અનુભવ તો છે જ.
અમારે સૌરાષ્ટ્રથી મહેમાન આવે અને અહીં હું અમુક સારી જગ્યા છે ત્યાંથી ગાંઠીયા કે ફાફડા લાઉ તો એ લોકો મોટામાં મોટું આશ્ચર્ય એ હોય છે કે “ચમાઇલા, તમારે અહીં આટલી બધી ચટણી આપે..?!!
સૌરાષ્ટ્રમાં કોઈ નાના સૂના ગાંઠિયાવાળા પાસે પોતાની તપેલીમાં કુલ જમા જેટલી ચટણી હોય એટલી તો અહીં કોઈ ગાંઠિયાવાળો એક કિલો ગાંઠીયા સાથે બાંધી આપે.
માત્ર ગાંઠીયા ફાફડામાં જ નહીં. દરેક ફૂડ સાથે એની ચટણી આપવા બાબતે અમદાવાદીઓ મોટા મનનાં તો છે. બસો ગ્રામ ચોળાફળી સાથે ફોટામાં છે એવી બે થેલી ચટણી બાંધી જ આપે. કોઈ કહે તો ત્રીજી કે ચોથી સુધી પણ બાંધી આપે.અને અહીં લોકોને ફૂડ સાથે વધુ ચટણી કે સંભારો કે મરચા જોઈએ પણ ખરા.આ ચટણી આટલી તીખી હોય છે, અને વેચનાર ચટણી આપવા બાબતે ખૂબ ઉદાર હોય છે. સો ગ્રામ ચોળાફળી બે મિત્રો ખાતા હોય તો ચાર ચાર વાર પડિયા ભરી આપે. અથવા તો જગ મુકેલો જ હોય.