
કૃષ્ણ પરમ આનંદ છે
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
દરેક જીવ ફક્ત એક જ વસ્તુ શોધે છે અને તે છે આનંદ. જ્યાં પણ કોઈ શોધ કરી રહ્યું છે અને જે કંઈ પણ શોધી રહ્યું છે, પછી ભલે તે ભૌતિક હોય કે આધ્યાત્મિક, ફિલ્મોમાં હોય કે બારમાં, ચર્ચમાં હોય કે મંદિરમાં, પછી ભલે તે સંપત્તિ હોય, પ્રસિદ્ધિ હોય કે શક્તિ હોય, વાસ્તવિક શોધ ફક્ત આનંદની જ છે; અને ઈશ્વર જ પરમ આનંદ છે.
ભગવાન સત, ચિત્ત અને આનંદ છે. આનંદનું શુદ્ધ અને સર્વોચ્ચ સ્વરૂપ પરમાનંદ છે, કોઈપણ ચિંતા, પીડા કે દુ:ખ રહિત આનંદ; અને કૃષ્ણ તે આનંદનું પ્રતિક છે. ભગવાન કૃષ્ણ નટખટ અને તોફાની છે, અને ચંચળતા શુદ્ધ આનંદમાંથી ઉદ્ભવે છે. કોઈ પણ પરિસ્થિતિ કૃષ્ણના આનંદને છીનવી શકતી નથી.
નટખટતા એ આનંદનું સ્વાભાવિક પરિણામ છે. કૃષ્ણ ઘણીવાર જૂઠું બોલતા અને તેમની આસપાસના લોકોને હેરાન કરતા, તેઓ પોતે ઇચ્છતા હતા કે કૃષ્ણ તેમને પરેશાન કરે. તેઓ ગુસ્સામાં કૃષ્ણ વિશે ફરિયાદ કરવા આવતા, પરંતુ જેમ જેમ તે તેમની સામે આવતા, તેઓ હસવા લાગતા, અને તેમનો બધો ક્રોધ અદૃશ્ય થઈ જતો. શુદ્ધ આનંદની ઉપસ્થિતિમાં, ફરિયાદો વિલીન થઇ જાય છે અને જીવન એક રમત જેવું લાગે છે.
કૃષ્ણ આટલા આનંદી કેવી રીતે હતા? શું તેમનું જીવન સુખ-સુવિધાઓથી ભરેલું હતું? ના, તેમના જીવનમાં બધું જ ગૂંચવાયેલું અને અસ્તવ્યસ્ત હતું, છતાં તેમનું સ્મિત બધાને મોહિત કરતું હતું. તેમનું સ્મિત એટલું મંત્રમુગ્ધ કરતું હતું કે લોકો તેમના દુ:ખ ભૂલી જતા અને આનંદિત થઇ જતા. જ્યારે બધું સ્થિર અને સરળ હોય ત્યારે સ્મિત કરવું સહેલું છે, પરંતુ જ્યારે બધું ઉથલપાથલવાળું હોય અને તમે ત્યારે પણ સ્મિત રાખી શકો છો, ત્યારે તે ખરેખર એક સિદ્ધિ છે. યુદ્ધના મેદાનમાં, જ્યારે અરાજકતા હોય અને ચારે બાજુ અસ્પષ્ટતા હોય, ત્યારે પણ જે વ્યક્તિ પોતાના મિત્રને ગહન જાગૃતિ, સ્પષ્ટ મન અને સર્વોચ્ચ જ્ઞાન આપી શકે છે તે અદ્ભુત અને અકલ્પનીય છે. કૃષ્ણનું દરેક પાસું આપણને આશ્ચર્યચકિત કરે છે.
આનંદ એ જીવનનું નૃત્ય છે, અને કૃષ્ણનું જીવન તે શાશ્વત નૃત્ય છે. તે જે રીતે ઉભા રહે છે તે રીત જ તેના સમગ્ર દર્શનને વ્યક્ત કરે છે, તેના હાથમાં વાંસળી અને એક પગ જમીન પર મજબૂત રીતે છે. નૃત્ય ત્યારે જ શક્ય છે જ્યારે પગ પહેલા જમીનને સ્પર્શે. જો પગ કાદવમાં અટવાઈ ગયા હોય તો નૃત્ય થઈ શકતું નથી, અને જો પગ જમીનથી ઉપર હોય તો પણ નૃત્ય થઈ શકતું નથી. નૃત્ય ત્યારે જ થાય છે જ્યારે એક પગ જમીન પર મજબૂત રીતે રોપાયેલો હોય અને બીજો હવામાં હોય.
કૃષ્ણ આપણી અંદર છુપાયેલી બધી શક્યતાઓનું સંપૂર્ણ સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણના દિવ્ય નૃત્યે સમાજના દરેક વર્ગને પોતાની તરફ આકર્ષિત કર્યો છે. પછી ભલે તે કઠોર તપસ્વી સંતો હોય કે સરળ, સહજ ગોપીઓ, બધા સમાન રીતે તેમની તરફ આકર્ષાયા છે. સૌથી મોટું આકર્ષણ દિવ્યતાનું છે, તે ઊર્જા જે દરેકને પોતાની તરફ ખેંચે છે.
કૃષ્ણ નિરાકાર કેન્દ્ર છે, જે સર્વત્ર છે. વિશ્વમાં ગમે તે આકર્ષણ હોય, તે ફક્ત કૃષ્ણ તરફથી આવે છે. ઘણીવાર લોકો આકર્ષણ પાછળ છુપાયેલા આત્માને જોઈ શકતા નથી અને ફક્ત બાહ્ય આવરણ ને પકડી રાખે છે; જેમ જેમ તેઓ તે કવચને પકડવાનો પ્રયાસ કરે છે, કૃષ્ણ લીલા કરે છે, પોતાનો આત્મભાવ પાછો ખેંચી લે છે, અને પછી તેમના હાથમાં ખાલી આવરણ અને તેમની આંખોમાં આંસુ રહી જાય છે.
રાધા જેવા હોશિયાર બનો, કૃષ્ણની લીલામાં ન ફસાઈ જાઓ. કૃષ્ણ ક્યારેય રાધાથી બચી શક્યા નહોતા, કારણ કે રાધાનું આખું વિશ્વ કૃષ્ણથી ભરેલું હતું. જો તમે જોઈ શકો કે જ્યાં પણ આકર્ષણ છે, ત્યાં કૃષ્ણ છે, તો તમે રાધા બની જશો! ત્યારબાદ તમે તમારા કેન્દ્રમાં પ્રસ્થાપિત થઇ શકશો.