
વિખરતા અને તુટતા પરિવારને બચાવવા પરસ્પર વિશ્વાસ અને એકતાની આવશ્યકતા છે: બ્રહ્માકુમારી જયંતી દીદી
વિના માનસિક સ્વાસ્થ્ય શાંતિ અને સુખ પામવું શક્ય નથી. ધ્યાન એક માત્ર ઉપાય: પી.કે.લહરી
૩ ઓગસ્ટ, અમદાવાદ
વિજ્ઞાન ભવન, સાયંસ સીટી ખાતે બ્રહ્માકુમારી મહાદેવનગર સબઝોન દ્વારા આયોજિત વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન સેવાયોજનાના શુભારંભ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના એડીશનલ મુખ્ય પ્રશાસિકા જયંતિ દીદીએ સાંપ્રત સમયમાં વિશ્વની ઝાંખી કરતા કહ્યું કે આજે વિશ્વની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે. પરિવાર વિખરતા જઈ રહ્યા છે, તૂટી રહ્યા છે. કારણ કે આધ્યાત્મિકતા અને ભાવનાઓની દ્રષ્ટિએ પરસ્પર વિશ્વાસનો અભાવ છે, એકતાને ભૂલતા જઈ રહ્યા છીએ. આપણો પોતાની જાત સાથે જ સંબંધ રહ્યો નથી, માતા-પિતા સાથે સંબંધ રહ્યો નથી. આજે પોતાના બાળકોને મળવા માટે પણ માતા પિતાને એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. વિશ્વની આવી કફોડી પરિસ્થિતિમાં સ્વયં ભગવાન આવી આધ્યાત્મિક ક્રાંતિ લાવે છે. આજે આપણે એવી સ્થિતિમાં પહોચી ગયા છીએ કે માતા-પિતા, શિક્ષક કે ગુરુને બદલે ટેકનોલોજીને પૂછીએ છીએ કે ભગવાન કોણ છે? ધ્યાન આપણને પોતાની જાત સાથે, પરિવાર સાથે, પરમાત્મા સાથે નાતો બંધાવાનું શીખવાડે છે. જ્યારે આપણે વિશ્વમાં એકતા ઇચ્છીએ છીએ. તો પહેલા આપણે આપણી જાતથી શરૂઆત કરવી જોઈએ. આપણે પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ. આપણે ભગવાન અને વિશ્વ સાથે વૈશ્વિક ભાઈચારાના સંબંધને એક પરિવાર તરીકે સ્વીકારવો જોઈએ. પછી આ શ્રદ્ધા જન્મશે. શ્રદ્ધા વૈશ્વિક એકતાનો આધાર છે.
બ્રહ્માકુમારી મહાદેવનગર સબઝોનના નિર્દેશિકા બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીએ ધ્યાનના માધ્યમથી સ્મૃતિ શક્તિ વિકસિત કરવા માટે પ્રેરિત કર્યા. મનુષ્ય “હું ચેતના છું” એ મૂળ સ્મૃતિને જ ભૂલી ગયો હોવાથી આજે વિપરીત પરિસ્થિતિ સર્જાતી જઈ રહી છે. કારણ કે જેવી સ્મૃતિ હોય તેવી સ્થિતિ હોય છે, તેવો વ્યવહાર હોય છે. ઊંઘનો આધાર પણ સ્મૃતિ છે. વૈશ્વિક એકતા અને પરસ્પર વિશ્વાસ માટે સ્મરણ શક્તિના આધારે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરીએ. આપણે આપણી સ્મરણ શક્તિને પુન: પ્રાપ્ત કરીએ, સિદ્ધિ પ્રાપ્ત કરીએ. વિશ્વ એકતા અને વિશ્વાસ માટે આ અન્ડોલનમાં જોડાઈએ.
ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહરીજીએ શુભેચ્છા પાઠવતા પોતાના મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે વિના માનસિક સ્વાસ્થ્ય શાંતિ અને સુખ પામવું શક્ય નથી. આજે લોકોની માનસિક અવસ્થાના કારણે વિશ્વની સ્થિતિ બગડી રહી છે અને આવા સમયે બ્રહ્માકુમારીએ વિશ્વનું સ્તર સુધારવા ધ્યાનનું માધ્યમ પસંદ કર્યું. જે પ્રમાણે વૈભવી જીવનના મહત્વને જાણીએ છીએ તેમ સાચું સુખ મનમાં છે જ્યારે આ વાત ધ્યાનમાં આવશે, ત્યારે જ વિશ્વાસ અને એકતાનું વાતાવરણ બનશે. વિશ્વમાં શાંતિ અને એકતા સ્થાપિત કરવા માટે એક વિશાળ ચળવળના રૂપમાં કાયમ બની રહેશે.
અમદાવાદના ઉદ્યોગપતિ રુચિર પારેખે ચિંતા અને અનિશ્ચિતતાના વાતાવરણમાં પારિવારિક કે વ્યવસાયિક ક્ષેત્રે ધ્યાનની ઉપયોગીતા શું છે? એના પર પોતાના અનુભવો શેયર કર્યા.
આંતરાષ્ટ્રીય ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે સ્વાગત વક્તવ્યમાં પોતાના વિચારો રજુ કરતા કહ્યું કે વિશ્વ વિભિન્ન સ્તરે વિભાજીત થઇ રહ્યું છે ત્યારે બ્રહ્માકુમારી સંસ્થા માનવ જીવનના ઉત્થાન માટે એકમત થઇ સેવા આપી રહી છે આ એક ચમત્કાર જ છે.
આંબાવાડી સબઝોનના નિર્દેશિકા બ્રહ્માકુમારી શારદાબેને ધ્યાનનો અભ્યાસ દ્વારા શાંતિ અને એકતાની અનુભૂતિ કરાવી.
શ્રાવણી ડાન્સ એકેડેમીના બાલિકાઓએ સુંદર નૃત્ય દ્વારા વિશ્વ એકતાનો સંદેશ આપ્યો, અને ઇન્ડિયન આયડલના ફાઈનલીસ્ટ હરીશ મોયલે સુંદર ગીતો દ્વારા અદભુત અનુભૂતિ કરાવી. શાહીબાગના સંચાલિકા બ્રહ્માકુમારી વિજય બેને સુચારુ રૂપથી મંચ સંચાલન કર્યું હતું.
કાર્યક્રમમાં અમદાવાદના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.