
મુંબઈના જૂના થિયેટર્સ અને કાળા બજારીયા.. બિખરે સભી બારી, બારી..
(એક અનામી અનુભવીની યાદો..)
There were 19 single screen cinema halls built in the pre-independence era, within 1-mile walk, in and around Grant Road area of Mumbai.
Many of these cinema halls are now defunct or razed. Some barely survive by showing old films at tickets under Rs.50.
‘અપર સ્ટોલ ૩ કા ૧૦, બાલ્કની ૭ કા ૧૫, બોસ કોર્નેર કી હૈ, મંગતા હૈ તો બોલો, ફટ સે પૈસા દો. ધંધે કા ટેમ હૈ.’
૯૦ના દાયકા સુધી, શનિ-રવિ-રજાને દિવસે, પિક્ચર હીટ હોય તો આવા દબાયેલા, ઝડપથી બોલાયેલા શબ્દો ત્યારના ઘણા થિયેટર્સને આંગણે સાંભળવા મળતા. આસપાસના વિસ્તારના માથાભારે, લુખ્ખા તત્વો બુકિંગ ક્લાર્ક જોડે સાંઠ-ગાંઠ કરીને ટીકીટ ખરીદી લેતા, શોને ‘હાઉસ ફૂલ’ કરાવીને કમાણી કરી લેતાં. દેવસાહેબે ‘કાલા બજાર’માં એમની ભૂમિકા પણ કરી છે.
એ જમાનામાં મનોરંજનનું મુખ્ય માધ્યમ ફિલ્મો જ હતું. હજી કોઈને મલ્ટીપ્લેક્ષનું સપનું નહોતું આવ્યું. મોટે ભાગે સિંગલ સ્ક્રીન જ હતાં. ઉચ્ચ-મધ્યમવર્ગીય વિસ્તારના મુખ્ય થિયેટર એટલે મરાઠા મંદિર, મેટ્રો, લીબર્ટી, મિનરવા, નોવેલ્ટી, અપ્સરા, રોક્ષી, ઓપેરા હાઉસ, ઈરોસ, રીગલ, નાઝ, ગંગા-જમુના, અલંકાર, કેપિટલ તો ગરીબ-નીચલા મધ્યમ વર્ગીય અને બદનામ વિસ્તારના તાજ, મોતી, રોશન, આલ્ફ્રેડ, નિશાંત. પરા વિસ્તારના અંબર-ઓસ્કાર, માઇનોર, બાન્દ્રા ટોકિઝ, ગેઈટી, જેમિની, ગેલેક્ષી, સંગમ, ટોપીવાલા, સમ્રાટ, બાદલ, બીજલી, બરખા. (આ એ સમય હતો જયારે સૂરતમાં નવ ટોકીઝનું રાજ હતું.. મોહનથી શરુ થઈને કેપિટલ સુધી. એ માર્ગ જ ‘સિનેમા રોડ’ રૂપે ઓળખાતો.)
મુંબઈના કેટલાક થીએટર્સના રસપ્રદ કિસ્સા છે, ભગવાન દાદાનું ‘અલબેલા’ મેજેસ્ટીકમાં ચઢેલું. શરૂઆતના દિવસોમાં એનું ‘શામ ઢલે ખિડકી તલે’ ગીત પડદા પર આવતું તો પ્રેક્ષકો પૈસા ફેંકીને નાચવા માંડતા, માલિકે આ ન થાય એ માટે પોલીસ રાખ્યા; પણ સાહેબ, જેવું પેલું ગીત આવ્યું એવા પોલીસ પણ સાથે નાચવા માંડ્યા. રક્ષક જ નર્તક બન્યાં!
અપ્સરા પહેલાં લેમિંગ્ટન હતી, જીર્ણોદ્ધાર પછી તે અપ્સરા બની. ત્યાં રાજ કપૂરની ‘સંગમ’નો પ્રીમિયર શો થયેલો. (આ લખનારે) તે સામેના રમણભાઈ વૈષ્ણવના પાર્વતી મેન્શનની બારીમાંથી જોયેલો.
લેમીગ્ટન રોડ પર ત્રણ થિયેટર એક લાઈનમાં હતાં; ઇમ્પિરિયલ, નાઝ અને સ્વસ્તિક. એકવાર ત્યાં ‘મક્ખીચુસ’, ‘જાગતે રહો’, ‘હમ સબ ચોર હૈ’ ફિલ્મો ચઢેલી. આ ત્રણે પોસ્ટર્સથી બનતા વાક્યની મજા માણવા લોકો ત્યાં ચક્કર મારી આવતા!
ગુજરાતી ક્રિશ્ના શાહે હિંદી ફિલ્મો પર ફિલ્મ બનાવી હતી, ‘સિનેમા સિનેમા’ (૧૯૭૯). જેમાં ૧૯૧૨- ૭૮ સુધીની ફિલ્મો-કલાકારોની રોચક વાતો હતી. એમાં પ્રેક્ષકો પણ પડદા પર બોલતાં જોવા મળતાં હતાં. એમાં જે થિયેટર બતાવ્યું હતું તે ‘એડવર્ડ’. એ ‘એડવર્ડ’ એટલે દેશી નાટક સમાજ, ભાંગવાડીનો ભાગ. અહીં ‘જય સંતોષી મા’ લાગેલું ત્યારે આસપાસના વિસ્તારની મહિલાઓ આરતી, દીવા લઇને આવતી અને પડદાની બાજુમાં એક મંદીર જ બનાવી દીધેલું, ત્યાં પૂજા થતી.
આજની ફિલ્મો જેવાં ઉઘાડા પડદા ત્યારે નહોતાં. સ્ક્રીનને ઢાંકતા અર્ધ-ચંદ્ર વલયાકાર મખમલી આવરણ સંગીતને તાલે આરંભ, વિસામો અને અંતે ખુલતાં-બંધ થતાં જોવાનો લહાવો હતો.
લીબર્ટીમાં મેહબૂબ ખાનના ‘અંદાઝ’નો પ્રીમિયર થયેલો. મેટ્રોમાં ‘મધર ઇન્ડિયા’નો પ્રીમિયર થયેલો તો રાજ કપૂરનું ‘સત્યમ, શિવમ, સુન્દરમ’ ચોમાસામાં રજૂ થયેલું. અમે તેમાં આવેલાં રાજ કપૂર અને તેમનાં ત્રણે દીકરા અને મહેમાનોને છત્રી ઓઢાડીને અંદર લેતા જોયા છે. ફિલ્મફેર અવોર્ડ સભારંભ મેટ્રોમાં થતો, (પછી ષણ્મુખાનંદ હોલમાં) યોજાતો.
મેટ્રો, રીગલ અને ઈરોસ માં ત્યારે અંગ્રેજી ફિલ્મો જ આવતી. તાજેતરમાં ‘ઈરોઝ’ના પણ માઠા સમાચાર આવ્યાં છે.
મેટ્રો એ મુંબઈનું પહેલું અમેરિકન થિયેટર હતું. તેમાં શરૂઆતમાં પડદા પર MGM ના ત્રણ ઘૂરકતા સિંહ સૌનું સ્વાગત કરતાં. નાના બાળકો તે જોઈને ડરી જતાં. મેટ્રોની અંદરની સજાવટ, છત, ભોંય, દીવાલ, ફર્નિચર બધું લાલ અને ગુલાબી રંગે રહેતું. અહીંનું આરસનું છજ્જું, શાનદાર દાદર, હજુ આંખ સામે છે. અહીંના પ્રેક્ષકો પણ મોભાદાર. એક વાર અહીં ગ્રેગરી પેક આવ્યા હતા. અહીંનું સોડા ફાઉન્ટેન, ત્યાંના નાસ્તા, કોફી, સોડા માટે સુપ્રસિદ્ધ હતાં.
એ જમાનામાં ફિલ્મ પહેલાં ‘ઈન્ડીયન ન્યુઝ રીલ’ જોવા મળતાં. ભારતની ક્રિકેટ ટીમ મેચ જીતી હોય તો તેનાં અંશ અહીં જોવા મળતાં, ઘણી વાર મૂળ ફિલ્મ કરતાં ન્યુઝ રીલનું અને આવનારી ફિલ્મોના ‘ટ્રેલર’ જોવાનું આકર્ષણ રહેતું. અંતે ગવાતાં રાષ્ટ્રગીતનું સૌ શાનથી માન જાળવતાં, તો કોઈ ચાલ્યા પણ જતાં.
તારદેવ પુલ પાસેની ‘ડાયના’ ટોકીઝ એ ગરીબોની ‘મેટ્રો’ હતી. ટીકીટના દામ ૫૦ પૈસા, ૭૫ પૈસા, દોઢ રૂપિયો રહેતો. લાકડાના ખપાટિયા જેવી બેઠક, સાથે માંકડનો સંગાથ રહેતો. સાહેબ, મેં અહીં કેટલીક ઉત્તમ ફિલ્મો જોઈ છે, એ પણ ઘરેથી નાસ્તો, ચા લાવવાની છૂટ હોવાથી જલસાથી માણી છે. આજે મલ્ટીપ્લેક્ષની મોંઘીદાટ ટીકીટ અને પરાણે ખર્ચાળ નાસ્તો લઉં છું, તોય એવી મજા નથી આવતી.
મરાઠા મંદિરમાં ‘મુગલે આઝમ’ના પ્રીમિયર વખતે દિલીપ કુમારની શાહી પધરામણી ઘોડા પર થયેલી અને થિયેટર પર હાથીઓનું ઝૂંડ ઝુલતું હોય એવું ભવ્ય દ્રશ્ય હતું. અત્યારે પણ ત્યાં DDLJ મેટીની શોમાં વીક-એન્ડમાં ધૂમ મચાવે છે, ટીકીટ ફક્ત ૨૫ રૂપિયા, ચાલુ શોના નવી ફિલ્મના ભાવ પણ ૨૫, ૩૫, ૧૦૦ જેવાં જ છે.
૯૦નો દાયકો પોતાની સાથે ટેલીવિઝન, સેટેલાઈટ ચેનલ લાવ્યો, પછી હોમ વિડીયો, મલ્ટી-પ્લેક્ષ, સરકારી વેરાના અતિભારણે વર્ષો જૂના થિયેટર્સ બંધ થયા, કેટલાક બહુમાળી બિલ્ડીંગ, મોલ, કે મલ્ટી-પ્લેક્ષ બની ગયાં. હવે અહીં પ્રાદેશિક ફિલ્મ શો, નાટકો, બીજા સંસ્કૃતિક કાર્યક્રમો કે ફીલ્મોત્સવો યોજાય છે.
કયારેક કાળા બજાર કરતાં હતાં તે હવે નવરા, તો કોઈ ચોર બજાર, ફૂલ બજાર, નળ બજાર, ભીંડી બજારમાં ગોઠવાઈ ગયાં હશે.
ફિલ્મો પરની જ ફિલ્મ એવી ગુરુ દત્તની ‘કાગઝ કે ફૂલ’નું ગીત હતું, ‘બિછડે સભી બારી બારી’, અમે કહીશું, ‘બિખરે સભી બારી, બારી.’
(આવી રોચક યાદોં વાગોળનાર નું નામ વોટ્સએપ પર ફોરવર્ડ થતાં થતાં નીકળી ગયું છે.
એ અનામી ને સલામ 🫡)
સ્ત્રોત: વોટ્સઅપ ગ્રુપ મેસેજ