
દિવસો: દેવી પૂજકો પૃર્વજો ને યાદ કરે છે.
અમદાવાદ: (વસંત મહેતા દ્વારા ) અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે દિવાસો… અષાઢી અમાસ દિવાસો પછી દેવદિવાળી સુધી અનેક વ્રત, તહેવાર, ઉત્સવ, અનુષ્ઠાનનો પ્રારંભ. હિંદુ સંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેય માસ શ્રાવણ , ભાદરવો, આસો ઉત્સવો, તહેવારો અને વ્રતથી ભરપૂર હોય છે. વરસાદની આ ઋતુ સાથે જપ, તપ અને વ્રતનો મહિમા પણ વધી જાય છે. આ સાથે જ શ્રાવણની શરૂઆત એટલે શિવજીની આરાધના પણ શરૂ.
આજના દિવસ એટલે એવરત જીવરત જેવા જુદાં-જુદાં વ્રતો અને પૂજા અર્ચનાનો દિવસ છે..
પરંતુ સૌથી મહત્વની વાત આજના દિવસે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. એ સમાજ છે, દેવીપૂજક સમાજ.. દેવીપૂજક સમાજના કેટલાક સભ્યો દિવાસોના દિવસે સ્મશાને જઇ પરિવારના, સમાજના અંગત કે જે મૃત્યુ પામ્યાં છે, એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. ફૂલ, ફૂલના હાર તેમ જ મૃતકની ગમતી ચીજવસ્તુઓ સ્મશાને જઈ અર્પણ કરે છે.
દેવી પૂજક સમાજના વિકાસ પટણી એ જણાવ્યું કે છે, “જેના પરિવારનો સદસ્ય સ્વર્ગસ્થ થાય અને અંતિમ વિધિ જે જગ્યા એ થઈ હોય ત્યાં તેમને ગમતી વસ્તુઓ લઈ જવામાં આવે છે. આ સાથે સ્મશાનમાં આવેલા સૌ એમને યાદ કરે છે. હવે આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકોને યાદ કરી ફોટા સાથેના બેનર્સ બનાવડાવે છે. એની ઉપર સુવિચારો પણ પ્રદર્શિત કરે છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે. આખાય વિસ્તારમાં મેળા જેવું વાતાવરણ હોય છે.. સ્મશાનોમાં દેવીપૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ એકઠા થઈને પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
હિંદુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવીપૂજક સમાજે સૌ લોકોને અભિનંદન પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેવીપૂજક સમાજના પૂર્વજોને યાદ કરવાના આ પ્રસંગે નરોડા ચામુંડા સ્મશાને રાજ્કીય અને સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમાજના સામૂહિક તહેવારમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા. આજ સમાજના યુવાનોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યુ. આ સાથે ફૂલ, ફળનો ખોટો બગાડ થાય નહીં એ માટે લોકોને જાગૃત કર્યા હતા.