
‘ચાલ’ એટલે શું? ચાલનો અર્થ ક્યાંય નહીં મળે પણ મારા હિસાબે એવી આજુબાજુમાં રૂમોને જોડતી એક ચાલીને ‘ચાલ’ કહેવાય.એવી ચાલમાં શૌચાલય પણ કૉમન હોય. આવી આ ચાલીમાં રૂમો બધાની ભલે નાની એક રૂમ કે ડબલ રૂમ હોય પણ મનના તાંતણા આ ચાલીથી જોડાયેલા જ હોય છે.
મને બરાબર યાદ છે કારણ અમે બાળપણ મારાં માસીને ત્યાં મુંબઈ ગયા હતા. મારા માસી પણ ચાલમાં રહેતા અને મારા મોટા બા પણ ચાલમાં રહેતા હતા આજે અમારા સ્મૃતિ પટમાં એની ઝાંખી યાદો જ રહી ગઈ છે. ચાલમાં રહેતાં બધાં જ લોકો એક પરિવારની જેમ જ રહેતાં. એક ૧૦×૧૨ અથવા તો ડબલ રૂમમાં બધાનો સમાવેશ થઈ જતો. એમાં પલંગ, કબાટ, રસોઈ માટે પ્લેટફૉર્મ અને એની બાજુમાં મોરી – આ બધું હોવા છતાં રહેનાર પણ એટલાં જ હતાં કારણ ત્યારે પરિવાર-નિયોજનની પ્રથા ન હતી.લોકોની મનમાં – ‘જેટલાં વધારે બાળકો એટલાં તમે વધારે અમીર’ – એવી ભાવના હતી કારણ આજ જેવી મોંઘવારી ત્યારે નહોતી. એક જણ કમાઈને દસ જણ બેસીને ખાતાં હતાં. એવું નથી કે મોંઘવારી ત્યારે નહોતી પણ માણસ સંતોષી હતો. આજે ખાવા કરતાં પણ માણસના મોજ-શોખ વધી ગયા છે. આ એ વખતની વાત છે જ્યારે ટી.વી. નવું નવું આવ્યું હતું. લોકો પાસે એ લેવા કરતાં એને રાખવાની જગ્યા નહોતી એટલે જેની જગ્યા વધારે હોય એના ઘરમાં તો જાણે મીની થિયેટર ન હોય એમ બધાં ભરાતાં! પ્રોગ્રામ આજની જેમ ચોવીસ કલાક આવતા ન હતા.આજે નવી નવી ચેનલોનો રાફડો ફાટ્યો છે ત્યારે એક દૂરદર્શન જ હતું.સાંજે એના સંગીતથી – જે આજે પણ ઘણાંને યાદ હશે – અને ‘આમચી માટી આમચે માણસ’ થી શરૂ થતું. એ પ્રોગ્રામ પણ હજી અમને યાદ છે.’આવો મારી સાથે’, ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’, ‘છાયાગીત’, ‘ચિત્રહાર’ અને રવિવારના પિક્ચરની તો વાત જ ના પૂછો! આવા પ્રોગ્રામો આવતા.
દોસ્તો, જેના ઘરમાં ફોન હોય ને એનું કામ અમે દોડી દોડીને કરતાં કારણ કદાચ આપણાં માટે એના ઘરે કોઈનો ફોન આવે એ એ ફોન નહીં આપે તો! કોઈના ઘરે ફ્રીજ હોય તો ઠંડુ પાણી અને બરફ અમે વિના સંકોચે માંગી આવતાં. ત્યારે આ ‘ઠંડો કબાટ’ બધા લેતા નહીં કારણ જગ્યાનો અભાવ. લોકોના ગાદલાં-ગોદડાં માટે બહાર ચાલીમાં બાંકડો રાખતાં, એની નીચે કોલસા, ચપ્પલ બધું જ પડી રહેતું અને બીજી બાજુ પાણી ભરેલું પિપડું હોય કારણ ત્યારે ચોવીસ કલાક પાણી નહોતું આવતું. ત્યારે સવારે ચાર વાગે જ પાણી આવતું ને લોકોના ઘરે ઘરે નળ હતા એટલે બધી જ દમયંતીઓ પાણી ભરવાના કામમાં લાગી જતી. સવારના પો’રમાં જો બહાર કોમન નળ હોય તો પાણી આવ્યા જ કરતું અને પાણી ભરવાના પાઈપના પણ વારા હોય.કપડાં ધોવા, વાસણ ઉટકવા માટે ચોકમાં એક કોમન જગ્યા હોય ત્યાં શૌચાલયની બાજુમાં જગ્યા હોય જેને ચોકડી કહેતાં. બધું જ કામ થઈ જતું. ઘણી વાર મીઠી તકરાર પણ થતી.કોમન ચોકમાં સ્ત્રીઓ વીણવા- ખાંડવાનું, વડી-પાપડ બનાવવાનું ભરવા-ગૂંથવાનું, તોરણ બનાવવાનું વગેરે સાથે મળીને કરતી.એમાં ઘણીવાર તકરાર પણ થતી પણ અણીના વખતે બધાં જ એક થઈ જતાં. આ ચોકમાં અમને રમવાની બહુ જ મજા આવતી. અમે બધાં મિત્રો અહીં રમતાં કારણ આજની જેમ ત્યારે મોબાઈલ નહોતા! એટલે રમતો રમતાં. વેકેશનમાં તો ચોકમાં જ મિઝબાનીઓ કરતાં. તહેવારોમાં ચાલમાં જે મજા હતી તે આજે ફ્લેટમાં કે બંગલામાં જોવા નહીં મળે. તહેવારો આખો માળો સાથે મળીને મનાવતો એટલે એની મજા જ અનેરી હતી. અને હા, વાટકી-વહેવાર પણ હતો! ત્યારે આજની જેમ અલગ અલગ શાક બનતાં જ નહીં. જો કોઈને ભાવતું શાક ન બન્યું હોય તો બાજુવાળા માસી પાસેથી લઈ આવવામાં જરા પણ સંકોચ અનુભવતા નહીં. કોઈને ત્યાં કંઈ પકવાન કે મિષ્ટાન્ન બન્યું હોય તો આપી પણ જતા કારણ – ‘એકબીજાને વહેંચીને ખાવું’ – એમ ત્યારે માનતા. કોઈના ઘરે મરણ થયું હોય તો શોકમાં આખો માળો સામેલ થઈ જતો અને એમના દુઃખમાં સહભાગી થઈને TV પણ ચાલુ ન કરતાં એટલું જ નહીં પણ બારમું ન પતે ત્યાં સુધી પકવાન કે મિષ્ટાન્ન પણ ખાતાં નહિ એવો એમનો સંપ હતો.
દોસ્તો, ચાલમાં એક રૂમમાં બધાનો સમાવેશ થઈ જતો. ચાલનું નામ આવે ને ઘાટીને યાદ ન કરીએ તે કેમ ચાલે? આ ઘાટી લોકોનો આખો પરિવાર ચોકમાં કે ચાલની બાજુમાં ખંચાલીમાં રહેતો.તેઓ માળાના લગભગ બધાના ઘરમાં કામ કરતા અને એમના માટે ફક્ત ભાત બનાવવા પડતા કારણ એમનો ખોરાક જ ભાત હોય બીજું બધું તેઓ બનાવી લેતા. ત્યાં બાજુમાં આપણી સામે જ એમનો સંસાર હોય એટલે જ્યારે જરૂર પડે ત્યારે બોલાવી લેતાં. તેઓ વિશ્વાસુ પણ એટલાં જ હતા, તમારી એક પણ વસ્તુ આમથી તેમ થાય જ નહીં. વળી, ચોર પણ માળામાં આવતા વિચાર કરે કેમકે આ ઘાટી લોકો ચોકમાં જ સૂતા હોય.
આજે રીડેવલપમેન્ટના ચક્કરમાં આવા માળાઓ તૂટીને મોટી ઈમારતો બની રહી છે અને લોકો પણ હવે આવી ચાલ છોડીને ફ્લેટ સિસ્ટમમાં રહેવા લાગ્યા છે પણ દોસ્તો, ૧૦×૧૨ની રૂમોમાં જે મજા હતી એ આજે ક્યાં રહી છે? અને એ રૂમોમાં સૌનો સમાવેશ થઈ જતો એમને આજે ૩ બેડરૂમના ફ્લેટમાં પણ જગ્યા તો ઓછી જ પડે છે કારણ લોકોના મન સાંકડાં થઈ ગયાં છે. મહેમાનોની આગતા-સ્વાગતા પણ કમને જ કરે અને ભૂલેચૂકેય જો કોઈ રોકાવાની વાત કરે તો તો ટેન્શન થઈ જાય કે આમને સુવડાવશું ક્યાં? પહેલાં તો એક રૂમમાં પણ મહેમાનો સચવાઈ જતાં કારણ ત્યારે પાડોશીઓ પણ કહેતા કે ચિંતા ન કરતાં થોડાં અમારા ઘરે સૂવા આવી જજો. આમ અરસપરસ પાડોશી ધર્મ નિભાવાતો. તે સમયે ઘરો ખુલ્લાં જ રહેતાં, આંકડી વાસવાની જરૂર જ ન રહેતી! આજે તો બિલ્ડિંગમાં તમારા પાડોશી કોણ છે એનીય ખબર હોતી નથી.
દોસ્તો, આજે ચાલ મરવાના વાંકે જીવી રહી છે. મોટાભાગના લોકો ચાલ છોડીને ફ્લેટમાં જઈ વસ્યા છે એટલે પહેલાં જેવી ચહલપહલ કે રોનક હવે રહ્યાં નથી એટલે હવે વહેલી-મોડી આ બધી ‘ચાલો’ વીરગતિ પામશે પણ તમારાં-મારાં જેવાના સ્મૃતિપટ પર હંમેશા જીવંત રહેશે…..વસંત મહેતા (અમદાવાદ)
નોંધ :(આજે પણ મને યાદ છે મારા મોટા બા અને બાપુજી લુહાર ચાલમાં રહેતા હતા જ્યારે મારા માસી કબુતર ખાના પાસે એક ચાલમાં રહેતા હતા તો બીજા માંથી કૃષ્ણબાગ ની એક બીજા માસી ચાલમાં રહેતા હતા આજે આ બધા ફ્લેટમાં રહેવા ગયા છે પરિવાર મોટો થતો ગયો દિલ સાંકડા થતા ગયા જ્યારે એક રૂમમાં 10 થી 12 માણસનો સમાવેશ થતો હતો પણ આજે જો ચાર મહેમાન આવી જાય તો તરત એમ થાય કે આમને સુવડાવશું ક્યાં? એટલે જ કહેવાય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ) જો આમાંથી કોઈને ખોટું લાગે તો માફ કરજો વસંત મહેતા
મારું સ્કૂલ અને કોલેજ નું જીવન મુંબઈમાં વિત્યું .હું બોરીવલી પૂર્વ ના દત્તપાડા રોડ પર આવેલ આશરા ચાલ માં રહેતો હતો .આ ચાલમાં કુલ 50 રૂમ હતી, 50 પરિવાર રહેતા હતા. ગુજરાતી ,મરાઠી , હિન્દી ભાષી,સિંધી,અને અન્ય ભાષીઓના પરિવારો સાથે મળીને રહેતા હતા. આ ચાલીમાં જે સુખ મળ્યું છે એવું સુખ મને આજ સુધી મહેલોમાં પણ નથી મળતું. પરિવારો એકબીજાની દરકાર રાખતા .પરિવારો એકબીજાના સુખ દુઃખમાં સામેલ થતાં. કોક વખત મીઠા ઝઘડા ,બાળપણ, બાળપણના મિત્રો ,સાથે મળીને તહેવારો પ્રસંગોની ઉજવણી અને પ્રેમ ભર્યા વર્તણૂક..આ અનુભવ તો ક્યારે પણ ભૂલી નહિ શકું. આશરા ચાલમાં મને યાદ છે કે કોઈના ઘરે મૃત્યુ થયું હોય તો દરેક પરિવારનો એક વ્યક્તિ અચૂક હાજરી આપે. મૃત્યુ પછીના 15 દિવસ કોઈના ઘરમાં રેડિયો કે ટીવી ચાલુ ન થાય. કોઈના ઘરે કોઈ મીઠી વસ્તુ , ફરસાણ કે ખાસ રસોઈ બનાવી હોય તો આજુબાજુના ઓછામાં ઓછા પાંચ થી 10 ઘરોમાં ચાખવા માટે ડીશ ઢાંકીને લઈ જાય., અને ચખાડે. એ બધી વાત તો દૂર વારે તહેવારે એકબીજાના ઘરે જવું ,દરરોજ એકબીજાને ખબર પૂછવા અને તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય તેને પોતાના ઘરે ચા પાણી પીવા બોલાવવા.. આવી અનેક બાબતો છે. જે આજે અમે રોયલ ઘરમાં પણ જોવા મળતી નથી. મુંબઈની ચાલી અને તેના રહેવાસીઓ તેમની તો વાતો જ અલગ છે .જે લોકો પહેલા ચાલમાં રહી ચૂક્યા છે ,અત્યારે પણ રહે છે, તેમની જીવનશૈલી અને તેમની યાદગીરીઓ આજે પણ માનસપટ પર છવાયેલી છે .ચાલમાં રહેવું એટલે બીજા અર્થમાં કહું તો એકતાનું પ્રતીક ..ના કોઈ ઈર્ષા, ના કોઈ દેખાડો, ના કોઈ ખરાબ ભાવના ફક્ત મેળજુલ અને ભાઈચારો આ છે ચાલની ખાસિયત .કોઈ માંદું હોય કે હોસ્પિટલમાં દાખલ કર્યું હોય તો લગભગ દરેક પરિવારના દરેક સભ્યો વારાફરતી ખબર કાઢી જાય .હોસ્પિટલમાં મળવા જાય ત્યારે સાથે ફ્રૂટ, નારિયેળ પાણી ,બિસ્કીટ વગેરે લઈને જાય .કોઈ બીમાર પડ્યું હોય તો એને તાત્કાલિક સારવાર કે દવાઓ પોતાના ઘરમાંથી આપવી, જે તે વ્યક્તિને દવાખાના સુધી પહોંચાડવાની મદદ કરવી.. જે ઘર માં ટીવી ન હોય એ ઘરોના બાળકો જેના ઘરે ટીવી હોય એના ત્યાં અડચણ વગર ટીવી જોવા જાય ..જે લોકો પોતાના ઘરમાં કોઈ આગવી સુવિધા ધરાવતું હોય તે સુવિધા અન્ય લોકો પણ વિના સંકોચ માણી શકે… આવું પોતિકાપણું ક્યાં જોવા મળે ? ખરેખર તો હું કહું છું કે આવી ચાલ સિસ્ટમ ફરીથી અસ્તિત્વમાં આવવી જોઈએ અને કદાચ ના પણ આવે તો ફ્લેટ એને બંગલા વાળાઓ એકબીજા સાથે આવા વ્યવહારો પણ ચાલુ કરી દે તો પછી દુનિયાની કોઈ પણ તાકાત સાથે લડવા માટે આપણે પોતે સક્ષમ બની જઈશું. નાના બાળકોને સાચવવા, નાના બાળકો સવારે સાંજે જ્યારે સમય મળે ત્યારે બધા ભેગા મળે, સાથે નાની મોટી રમતો રમે, એકબીજાના સ્કૂલ કોલેજમાં સાથે જાય.. સાથે અને આ સંબંધ મોટા થયા પછી બીજી કોઈ જગ્યાએ શિફ્ટ થયા હોય ત્યાં સુધી કાયમ રહે.એક બીજાની રેલ્વે રિટર્ન ટિકિટ ની આપલે પણ થતી..આ દરેક વાતો ચાલ સિસ્ટમની ભવ્યતા છે. મુંબઈની ચાલીનું નામ એટલા માટે કહીએ છીએ કારણ કે વિવિધતા સાથે એક સાથે રહેવાની આવી સંસ્કૃતિ ક્યાંય નથી અને ક્યાંય હશે પણ નહીં .મુંબઈમાં રહેતો માણસ દુનિયાના કોઈ પણ ખૂણે રહેવા જાય તો મુંબઈને અને ચાલીને ભૂલી નથી શકતો અને ભૂલી નહીં શકે .અને ચાલમાં રહેલો માણસ હું મારા શબ્દોમાં કહું તો સાત જન્મ સુધી પણ ચાલમાં રહેલા જીવનને કદાપી ભૂલી નહીં શકે
ડો.રાજેશ ભોજક
સિનિયર પત્રકાર