
માધુરીની સંભાળ અને ભવિષ્ય અંગે વનતારાનું સત્તાવાર નિવેદન
વનતારા જૈન મઠ અને કોલ્હાપુરના લોકોના મનમાં માધુરી માટેના ગહન ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વનો સ્વીકાર કરે છે. દાયકાઓથી તે ઊંડા મૂળિયા ધરાવતાં આધ્યાત્મિક રીતિ-રિવાજો અને સમુદાયના જીવનનું અભિન્ન અંગ રહી છે. અમે ભક્તો, જૈન મઠના નેતૃત્વ અને વ્યાપક સમુદાયની લાગણીઓનું સન્માન કરીએ છીએ અને તેમનો આદર કરીએ છીએ, જેમણે કોલ્હાપુરમાં માધુરીની હાજરી પ્રત્યે તેમની ચિંતાઓ અને લાગણી વ્યક્ત કર્યાં છે.
આ મામલામાં વનતારાની ભૂમિકા માત્ર માનનીય સુપ્રીમ કોર્ટ અને માનનીય બોમ્બે હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા બંધનકર્તા નિર્દેશો અનુસાર કાર્ય કરવા પૂરતી મર્યાદિત રહી છે. માધુરીને સ્થળાંતરિત કરવાનો નિર્ણય ન્યાયિક સત્તા હેઠળ લેવામાં આવ્યો હતો અને વનતારાની ભૂમિકા એક ઇન્ડિપેન્ડેન્ટ રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર તરીકે સંભાળ, પશુચિકિત્સા સહાય અને આવાસ પૂરી પાડવાની હતી. કોઈપણ તબક્કે વનતારાએ સ્થળાંતરણની પહેલ કરી ન હતી કે ભલામણ કરી ન હતી, તેમજ ધાર્મિક પ્રથા અથવા ભાવનાઓમાં દખલ કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.
કાયદેસરના વ્યવહાર, જવાબદાર પશુ સંભાળ અને સામુદાયિક સહકાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત રહીને વનતારા માધુરીને કોલ્હાપુર પરત લાવવાની વિનંતી સાથે જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા માનનીય કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી કોઈપણ અરજીને સંપૂર્ણ સમર્થન આપશે. કોર્ટની મંજૂરીને આધીન વનતારા સુરક્ષિત અને ગૌરવપૂર્ણ રીતે તેને પરત કરવા માટે સંપૂર્ણ તકનીકી અને પશુચિકિત્સા સંબંધિત સહાય પૂરી પાડશે.
આ ઉપરાંત, વનતારા જૈન મઠ અને રાજ્ય સરકાર સાથે ગાઢ સંકલનમાં રહીને કોલ્હાપુરના નંદની વિસ્તારમાં માધુરી માટે સેટેલાઇટ રેહેબિલિટેશન સેન્ટર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. પ્રસ્તાવિત સુવિધા હાઇ પાવર્ડ કમિટીના નિષ્ણાતો સાથે પરામર્શ અને મઠની સર્વસંમતિ બાદ એસ્ટાબ્લિશ્ડ એનિમલ વેલફેર ગાઇડલાઇન્સ અનુસાર વિકસાવવામાં આવશે, એ સાથે તે હાથણીની સંભાળ માટેની આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે પણ સુસંગત હશે.
આ પ્રસ્તાવિત સેન્ટરમાં હશેઃ
- સાંધા અને સ્નાયુઓને આરામ આપવા માટે વિશિષ્ટ હાઇડ્રોથેરાપી પોન્ડ
- તરવા અને કુદરતી હલનચલન માટે વધુ એક મોટું જળાશય
- શારીરિક પુનર્વસન માટે લેસર થેરાપી અને ટ્રીટમેન્ટ રૂમ
- આરામ અને સુરક્ષા માટે છત સાથેનું નાઇટ શેલ્ટર
- સાંકળો વિના મુક્ત રીતે હલનચલન કરવા માટે લીલું ખુલ્લું રહેઠાણ
- હાથીની પર્યાવરણીય સંવર્ધન અને કુદરતી વર્તણૂકો માટે રેતીનો ખાડો
- 24×7 તબીબી સંભાળ માટે સંપૂર્ણ સુસજ્જ ઓન-સાઇટ વેટરનરી ક્લિનિક
- સલામત અને આરામદાયક આરામ માટે રબરવાળા ફ્લોરિંગ પ્લેટફોર્મ
- સ્લોપ્ડ રેસ્ટિંગ પોઝીશન માટે નરમ રેતીના કાળજીપૂર્વક બનાવેલા ઢગલા, જે પગના સડાની રિકવરીમાં મદદ કરે છે, જે સંધિવાનું દબાણ ઘટાડે અને સાંધાના તણાવને ઓછો કરે છે.
પ્રસ્તાવિત સુવિધા માટેની જમીન જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકારના પરામર્શથી નક્કી કરવામાં આવશે. જરૂરી *અનુદાન અને પરવાનગીઓ* મળ્યા બાદ વનતારાની નિષ્ણાત ટીમ સંબંધિત સત્તાવાળાઓ સાથે ગાઢ સંકલનમાં રહીને અમલીકરણ શરૂ કરવા માટે તૈયાર છે.
અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે આ પ્રસ્તાવ ફક્ત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર માધુરીની ભાવિ સંભાળ અંગે માનનીય કોર્ટ દ્વારા જારી કરવામાં આવનાર કોઈપણ નિર્દેશનું પાલન કરવા અને તેને સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યો છે. તેનો હેતુ વનતારા માટે કોઈ શ્રેય કે માન્યતા મેળવવાનો નથી. તદુપરાંત આ માત્ર એક ભલામણ છે, કોઈ બંધનકર્તા કે લાદવામાં આવેલી શરત નથી. માનનીય કોર્ટના અંતિમ નિર્દેશો અનુસાર જૈન મઠ કોઈપણ વૈકલ્પિક પ્રસ્તાવ રજૂ કરવા ઈચ્છે તો અમે તેને સંપૂર્ણ રીતે આવકારીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ.
અમારી ભૂમિકા, ભલે તે માત્ર કોર્ટના નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવી હોય, છતાં જો તેનાથી જૈન સમુદાય કે કોલ્હાપુરના લોકોને કોઈ દુઃખ થયું હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. મિચ્છામિ દુક્કડમ્—જો જાણ્યે-અજાણ્યે, વિચાર, શબ્દ કે કર્મ દ્વારા કોઈ ઠેસ પહોંચી હોય તો અમે તમારી માફી માંગીએ છીએ.
વનતારા ભારતમાં પશુ કલ્યાણ, સંસ્થાકીય અખંડિતતા અને સમુદાયો સાથે આદરપૂર્ણ જોડાણના ઉચ્ચતમ ધોરણો પ્રત્યે પ્રતિબદ્ધ છે. અમારા પ્રયાસો થકી કાયદેસરના વ્યવહાર, પારદર્શિતા અને અમારી સંભાળ હેઠળના પ્રાણીઓની સુખાકારીને પ્રાધાન્ય આપવાનું ચાલુ રાખવામાં આવશે. ચાલો આપણે વિરોધમાં નહીં પરંતુ એકતામાં આગળ વધીએ, જેમાં માધુરી માટેનો પ્રેમ કેન્દ્ર સ્થાને હોય.
આદરપૂર્વક,
ટીમ વનતારા